હરચંદ રાજાને આંગણે આંબલો રે

હરચંદ રાજાને આંગણે આંબલો રે !
આંબલાની શીતળ છાંય રાજા હરચંદર
હરચંદ રાજાને વેળા બહુ પડી રે

હરચંદ વેચે એની મેડિયું રે,
મેડિયુંનાં અરીસા વેચાય રાજા હરચંદર
હરચંદ રાજાને વેળા બહુ પડી રે

હરચંદ વેચે એના હાથીડા રે
હાથિયુંની અંબાડી વેચાય રાજા હરચંદર
હરચંદ રાજાને વેળા બહુ પડી રે

હરચંદ વેચે એનાં ઘોડલાં રે,
ઘોડલાંનાં વછેરાં વેચાય રાજા હરચંદર
હરચંદ રાજાને વેળા બહુ પડી રે

હરચંદ વેચે શણગારિયા રે,
કુંવરિયાના શણગાર વેચાય રાજા હરચંદર
હરચંદ રાજાને વેળા બહુ પડી રે

હરચંદ વેચે એની રાણિયું રે
રાણિયુંના કુંવરિયા વેચાય રાજા હરચંદર
હરચંદ રાજાને વેળા બહુ પડી રે

ઇથી વેળા તે કેવી જાણવી રે
પોતે વેચાણા પાપી-ઘેર રાજા હરચંદર
હરચંદ રાજાને વેળા બહુ પડી રે

Post a Comment

0 Comments