મોરલાની માયા

સોનલા ઇંઢોણી, રાજ, રૂપલાનું બેડું,રાજ !
રાજાની રાણી પાણી સંચર્યા.
હાથડિય ન ધોયા, રાજ, પગડિયા ન ધોયા, રાજ !
આવડી વારું રે શીદ લાગિયું?
આવ્યાં તે આવ્યાં, રાજ, નગરીનાં ધેનું, રાજ !
આછેરાં કરું ને નીર ડોળી નાખે.
ઘેલાં તે ભાભી તમે !
ઘેલુડાં શીદ બોલો, રાજ, ઘેલુડાં શીદ બોલો, રાજ !
વનના મોરલા સાથે જળે રમતાં.
ઊઠોને રાજાની રાણી !
કાઠુડા ઘઉં દળો, રાજ, કાઠુડા ઘઉં દળો, રાજ !
મારે જાવું રે મોરલાને મારવા.
સોનલા કામઠડી ને
રૂપલા તીર, રાજ, રૂપલાનાં તીર, રાજ !
રાજાજી હાલ્યા રે મોરલાને મારવા.
મારજો મારજો રે રાજા,
હરણ ને હરિયાળાં, રાજ, હરણ ને હરિયાળાં, રાજ !
એક મ મારજો વનનો મોરલો.
નહિ રે મારું હું તો,
હરણ ને હરિયાળાં, રાજ, હરણ ને હરિયાળાં, રાજ !
દીઠો નહિ મેલું વનનો મોરલો.
વનના મોરલિયા, ત્યાંથી,
ઊડી ઊડી જાજે, રાજ, ઊડી ઊડી જાજે, રાજ !
જઇને બેસજે રે પારસ પીપળે.
પે’લે ઘાએ મોરનાં
પીંછડાં ખેર્યાં,રાજ, પીંછડાં ખેર્યાં, રાજ !
બીજે ઘાએ મોરલાને મારિયો.
સોનલાની કાવડ્યું ને
રૂપલા કરંડ, રાજ, રૂપલા કરંડ, રાજ !
કાવડ્યુંમાં નાખી મોરલાને લાવિયા.

ઊઠોને રાજાની રાણી,
બારણિયાં ઉઘાડો, રાજ, બારણિયાં ઉઘાડો, રાજ !
તમને ભાવતાં રે શીઆક લાવિયા.
હસતાં રમતાં રાણીએ
બારણિયાં ઉઘાડ્યાં, રાજ, બારણિયાં ઉઘાડ્યાં, રાજ !
મોરલાને દેખી મોઢડે મશ ઢળી.
ઊઠોને, રાજાની રાણી,
મોરલિયાને મોળો, રાજ મોરલિયાને મોળો, રાજ !
તેલમાં સમકાવો વનનો મોરલો.
રોતાં ને રસકતાં રાણીએ,
મોરલિયાને મોળ્યો, રાજ, મોરલિયાને મોળ્યો, રાજ !

આંસુડે સમકાવ્યો વનનો મોરલો.
ઊઠોને, રાજાના કુંવર,
જમવાને બેસો, રાજ, જમવાને બેસો, રાજ !
તમને ભાવતાં શીઆક રાંધિયાં.
તમે રે જમો, તમારાં
છોરુડાં જમે, રાજ છોરુડાં જમે, રાજ !
અમારે વરત એકાદશી.
ઊઠોને રાજાની રાણી,
ઓરડિયા ચણાવું, રાજ. ઓરડિયા ચણાવું, રાજ !
ટોડલીએ નગટાવું વનનો મોરલો.
ઘેલુડા રાજાના કુંવર,
ઘેલુડાં શીદ બોલો, રાજ, ઘેલુડાં શીદ બોલો, રાજ !
નગટલ મોરલો તે કેમ કરી બોલશે !
ઊઠોને, રાજાની રાણી,
બેડલાં લૈ આવું, રાજ, બેડલાં લૈ આવું, રાજ !
બેડલે નગટાવું વનનો મોરલો.
ઘેલુડાં રાજાના કુંવર,
ઘેલુડાં શીદ બોલો, રાજ,ઘેલુડાં શીદ બોલો, રાજ !
નગટલ મોરલો તે કેમ કરી બોલશે !
ઊઠોને, રાજાની રાણી,
સાળુડા રંગાવું, રાજ, સાળુડા રંગાવું, રાજ !
પાલવડે મેલાવું વનના મોરલા.
ઘેલુડાં રાજાના કુંવર,
ઘેલુડાં શેદ બોલો, રાજ, ઘેલુડાં શીદ બોલો, રાજ !
છાપેલા મોરલા તે કેમ કરી બોલશે.

Post a Comment

0 Comments