નારસંગજી

ઓતરાદા બારના ઓરડા, નારસંગજી
પાછળી પરસાળે દરબાર રે, નારસંગજી !
કાળિયો ભરવાડ ઠાકોર મોરખાયો આવ્યો જો,
રાણપુરનો માલ ચોરે કાઢ્યો રે, નારસંગજી !
ઊઠો રે પારંબા બેની, સારા કોયલા પાડો જો,
સારા કોયલા પાડી હોકા ભરો રે, નારસંગજી !
ઊઠો રે દાદુભા દીકરા રોઝી ઘોડી છોડો જો,
ચોંપેથી માંડો સેમાન રે, નારસંગજી !
દાવલશા પીર ઠાકોર સપનામાં આવ્યા જો,
હરમતે હથિયાર બાંધો રે, નારસંગજી !
ત્યાંથી નારુભા ઠાકોર રાતોરાત હાલ્યા જો,
જઇ રિયા ભીમોરા મોઝાર રે, નારસંગજી !
ભીમોરાનો આડો કાઠી કડકાઇમાં બોલે જો,
ભૂંડે મોઢે ભાગી તમે જાશો, નારસંગજી !
હું રે ભાગું તો મારી ભાદરડી લાજે જો,
લાજે મારું રાણપુર રે’ણાક રે, નારસંગજી !
હું રે ભાગું તો મારી રોઝી ઘોડી લાજે જો,
લાજે મારાં રાણપુરનાં લોક રે, નારસંગજી !
હું રે ભાગું તો મારી અણિયાળી લાજે જો,
લાજે મારાં બુબડીનાં લોક રે, નારસંગજી !
સવાશેર અફીણ ઠાકોર કસુંબા ઘોળાવ્યા જો,
મીઠાયુંની ઊડે છાકમછોળ્યું રે, નારસંગજી !
સવા મણ સૂતરની, ઠાકોર મોરિયું મેળાવો જો,
મોરીએ બાંધીને માલ વાળ્યો રે, નારસંગજી

Post a Comment

0 Comments