પાર્વતીનાં પારખાં

પાછી પિયરીએ મેલો, મા’દેવજી
એક વાર મૈયરીએ મેલો રે,
મારે મૈયર જાવાના કોડ રે
મુખ હરિ બોલોને, મા’દેવ !
કેટલે દા’ડે ઘરે આવશો, પારવતી,
કેટલે દા’ડે ઘરે આવશો રે
તમારી કેટલે દા’ડે જોઉં વાટ રે
મુખ હરિ બોલો ને, મા’દેવ !
જેટલાં પીપળનાં પાંદ રે, મા’દેવજી,
જેટલાં પીપળડાનાં પાંદ રે
અમે એટલે દા’ડે ઘરે આવશું રે
અમારી એટલે દા’ડે જોજો વાટ રે
મુખ હરિ બોલોને, મા’દેવ !
ચડિયા પીપળડાની ડાળ રે, મા’દેવજી
ચડિયા પીપળડાની ડાળ રે
કાંઇ ડાળીએ ડાળીએ ફરી વળ્યા રે
કાંઇ પાંદડે પાંદડે જોઇ વળ્યા રે
કાંઇ પાંદડાનો ના’વ્યો પાર રે
મુખ હરિ બોલો ને, મા’દેવ !
ચોથે દા’ડે ઘરે આવશું, મા’દેવજી,
ચોથડે દા’ડે ઘરે આવશું રે
અમારી ચોથડે દા’ડે જોજો વાટ રે
મુખ હરિ બોલો ને, મા’દેવ !
લીધો મોચીનો વેશ રે, મા’દેવજી,
લીધો મોચીનો વેશ રે
કાંઇ મનસા મોજડી હાથ રે,
મુખ હરિ બોલો ને, મા’દેવ !
સોળસેં સાહેલિયુંનો સાથ રે, પારવતીજી,
સોળસેં સાહેલિયુંનો સાથ રે
કોઇ જળ ઝીલવાને જાય રે
મુખ હરિ બોલો ને, મા’દેવ !
કરોને મોજડિયુંનાં મૂલ રે, મોચીડા વીરા,
કરોને મોજડિયુંનાં મૂલ રે
મારા પગમાં પે’રાવો લાલ મોજડી રે
મુખ હરિ બોલો ને,મા’દેવ !
આલું સોનાતે કેરો હાર રે,મોચીડા વીરા
તને આલું સોના કેરો હાર રે
તને આલું સોના કેરો ચૂડલો રે
મુખ હરિ બોલો ને, મા’દેવ !
શું કરું સોનાનો હાર રે, પારવતીજી !
તારો પથરે પછાડું ચૂડલો રે
મારે એક વાર હાટ્ડે આવ્ય રે
તારા પગમાં પે’રાવું લાલ મોજડી રે
મુખ હરિ બોલો ને, મા’દેવ !
એવડલી આળ્યું મ આલ્ય રે,
મોચીડા પીટ્યા ! એવડલી આળ્યું મ આલ્ય રે
મારે ઇસવર જેવડો ભરથાર રે
તને ચક્કર ચડાવીને મારશે રે
મુખ હરિ બોલો ને, મા’દેવ

Post a Comment

0 Comments